Monday, February 19, 2007

મુલાકાત - સૌપ્રિય સોલંકી ‘શૈલ’


અહીં

સુરજના કોમળ કિરણોથી

ઝળહળી રહેલા ઝાકળના બિંદુઓમાં

તમારું નામ વાંચી

તમને મળવા નીકળ્યો



અહીં

ફૂલોએ હસીને

મારું સ્વાગત કર્યું

મને શિસ્તની સુવાસ આવી

નિયમિતતાનું ગાન સંભળાયું



અહીં

ઉગતી ઉષાને

ઉચ્ચ આદર્શોના અવનવા રંગોથી

રંગવામાં આવી છે.

જ્ઞાન સરોવરમાં

કળાના કમળો

ખીલવવામાં આવ્યા છે

ઉજ્જવળ ભવિષ્યના

ઝરણાં વહી રહ્યાં છે.

સંસાર સાગરને આ કિનારે

લગારેલી જીવન-નૈયાને

સભ્યતાના શઢ અને હિંમતના હલેસા

અહીંથી આપવામાં આવે છે



ખરેખર !

અહીં મારી લાગણીઓ

ભીની ભીની થઇ ગઇ છે

લાગે છે કે

અહીંની સુવાસથી

હું સદા મહેક્યા કરીશ.

ત્રાસવાદને…. – સૌપ્રિય સોલંકી “શૈલ”


રહેવા દે ! રહેવા દે ! ઓ ક્રૂર માનવી,

શીદને આચરે છે આ સંહારલીલા ઘાતકી.



દિવ્ય વસુંધરા તુ જ પાલવ, થયો રક્તથી રંજીત,

અરે ! ઓ કાયર તોયે રહ્યો તું દયાથી વંચિત.



ત્રાહીમામ, ત્રાહીમામ સંભળાય પોકાર વાયુમાં,

ત્રાસ, ત્રાસ તણી પીડા જગને દેખાય આ ત્રાસવાદમાં.



નથી ધર્મ, નથી કર્મ, નથી મર્મ – આ ત્રાસવાદને,

નથી હિંમત, સામી છાતીએ લડવા, આ ત્રાસવાદને.



નથી સગા, નથી સહોદર, નથી મા-બાપ, આ ત્રાસવાદને,

નથી સંસારનાં જીવોનાં જાનની કિંમત, આ ત્રાસવાદને.



સુંદર નયન રમ્ય સ્વર્ગ સમી, દીસતી દિવ્ય વસુંધરા,

દાનવોની પાસવી સંહારલીલામાં, સાણસે સપડાય વસુંધરા.



જેણે આપ્યું સર્વ સજીવ સૃષ્ટિને, અર્પ્યું પોતીકું ગણી,

જે સનાતન સકળ સૃષ્ટિનાં, વિશ્વકર્મા તું ધણી.



કોનું જગ, કોનું સ્વર્ગ, કોઈનું કશું ક્યાં રહ્યું છે છેક,

જ્યાં જુઓ ત્યાં નરક નરક, પ્રભુ તું જ હસતો મરક મરક !

નૂતન વર્ષ - સૌપ્રિય સોલંકી ‘શૈલ’.


કરમાઇ ગઇ એક કડી કાલ, ખીલી ઊઠી નવીન કડી આજ,

ફોરમ તેની ફેલાય ચારેપાસ, મનુષ્ય હ્રદય હરખાય આજ ;

ઊગ્યો સૂર્ય આજ ભારે, કરે છે ચારેપાસ ઝગમગાટ,

પ્રસરાવે છે નવીન ચેતન, આ વ્હાલી સકળ સૃષ્ટિ સાટ.



શીત્તળ આ અનિલ ફૂંકાય, કરતો જોરે આજ તો વાય.

ખીલેલી નવીન કડી પર, સ્પર્શ કરે આજ તે સાય ;

વધાવવા આ નૂતન સાલ, કરે માનવ ઊઘાડા આત્માના દ્વાર,

સુખદ આશિષ દે તું, આજે ઓ સૃષ્ટિના સર્જનહાર.



પાણીના ઝરણ આજે તો, જાયે વધી આજે વ્હેણ,

કરે આજે બધાને અભિનંદન, એ જ તેનું એક કહેણ ;

ગત વરસોનાં કડવાં દુઃખો, જાય ભૂલી આ માનવ,

વધાવે આ નવીન વરસ, પ્રેમ હ્રદયી આ માનવ.



સર્જનહાર અમારા વ્હાલા, આધિવ્યાધિ સર્વ નિવારી,

ગયું વરસ જૂનું તો આજ, નવુ વરસ આજ સ્વીકારી.